ક્રિકેટ ક્લાસિક્સ; ૫૧ હૃદયસ્પર્શી યાદગીરી: પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટના પુસ્તકનું આગામી કાલે “સાંજ સમાચાર” પર પ્રકાશન
લોકપ્રિય અખબાર ‘સાંજ સમાચાર’ માં દર શનિવારે ક્રિકેટને લગતી ક્યારેય ન જાણેલી-ક્યારેય ન સાંભળેલી વિગતોથી ભરપૂર એવી કોલમ ‘ક્રિકેટ ક્લાસીક્સ’ના 200થી વધુ લેખ અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ તમામ લેખ થકી વાંચકોને ક્રિકેટને લગતી અનેક મહત્ત્વની માહિતી જાણવા મળી છે ત્યારે હવે આ 200 થી વધુ લેખમાંથી 51 જેટલા લેખ અલગ તારવી તેનું એક શાનદાર પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે જેનું આવતીકાલે વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘સાંજ સમાચાર’ ના સથવારે લોન્ચીંગ કરવામાં આવશે. આ પુસ્તક અંગેની માહિતી આપવા માટે ‘સાંજ સમાચાર’ ના મહેમાન બનેલા પુસ્તકના લેખક, ઈન્કમટેક્સ અધિકારી, પૂર્વ રણજી ક્રિકેટર તેમજ આઈપીએલના મેચ રેફરી પ્રકાશભાઈ ભટ્ટ, તેમના પુત્ર ધૈવત ભટ્ટે જણાવ્યું
નવભારત સાહિત્ય મંદિર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થનારી પુસ્તકના પ્રકાશનમાં વિશેષ સહયોગ પણ મળશે.
આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. ગુજરાતી લેખન પ્રકાશભાઈ ભટ્ટે કર્યું છે ત્યારે ગુજરાતી માંથી અંગ્રેજીમાં તેનો અનુવાદ તેમના પુત્ર ધૈવત ભટ્ટે કર્યો છે. આ પુસ્તકને પ્રસિદ્ધ કરવામાં ‘સાંજ સમાચાર’ ઉપરાંત ‘નવભારત સાહિત્ય મંદિર’ નો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું પ્રકાશભાઈ ભટ્ટે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આવકવેરા વિભાગના અધિકારી હોવાને નાતે મારા ઉપર કામની સાથે સાથે આ પ્રકારની કોલમ લખવી ઘણું જ કપરું હતું આમ છતાં મેં બન્ને જવાબદારીનું વહન કરી આટલી મજલ કાપી છે જેનો મને ક્યારેય ન ભૂલી શકાય તેવો આનંદ અત્યારે થઈ રહ્યો છે. આ પુસ્તકમાં ડૉમેસ્ટિક ક્રિકેટ ઉપરાંત સૌરાષ્ટ્રના ક્રિકેટરો, ભારત તેમજ વિદેશી ક્રિકેટરો સાથે બનેલા પરંતુ ક્યારેય બહાર ન આવેલા રસપ્રદ કિસ્સાઓ વાંચકોને જોવા મળશે.
આ પુસ્તકમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ઉપરાંત દિગ્ગજ ક્રિકેટરો જવાગલ શ્રીનાથ, વીવીએસ લક્ષ્મણ, અમ્પાયર નીતિન મેનન સહિતના ખેલાડીઓ દ્વારા ખાસ મેસેજ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નિરંજનભાઈ શાહનું નિવેદન પણ આ પુસ્તકમાં વાંચકોને વાંચવા મળશે. પ્રકાશભાઈ ભટ્ટે આગળ જણાવ્યું કે ક્રિકેટના ગ્રાઉન્ડની સાથે અનેક યાદો તેમજ ક્ષણ એવી હોય છે જે ઑફ ફિલ્ડ મતલબ કે ગ્રાઉન્ડની બહાર ક્રિકેટરો સાથે નાસ્તા-ભોજનના ટેબલ પર, સાથે ઉભા રહીને વાત કરવા દરમિયાન જાણવા મળતી હોય છે તે જ તમામ વાતો આ પુસ્તકમાં આવરી લેવાઈ છે. આવતીકાલે જ્યારે તેમના પુસ્તકનું વિમોચન થવાનું છે ત્યારે આ કાર્યક્રમમાં આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથ, બીસીસીઆઈ-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સચિવ નિરંજનભાઈ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ, ઈન્કમટેક્સ કમિશનર બી.એલ.મીના, એલિટ અમ્પાયર નીતિન મેનન, ક્રિકેટર ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, જાણીતા લેખક-વક્તા ભદ્રાયુ વછરાજાની ઉપરાંત પ્રકાશભાઈ ભટ્ટનો સમગ્ર પરિવાર તેમજ સૌરાષ્ટ્ર ટીમના ખેલાડીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે કે હાલ ઈન્કમટેક્સ અધિકારી તરીકે કાર્યરત પ્રકાશભાઈ ભટ્ટ સૌરાષ્ટ્રની રણજી ટીમના ખેલાડી રહી ચૂક્યા છે અને તેમણે સૌરાષ્ટ્ર વતી 51 રણજી મેચ રમી છે. તેમણે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન તરીકે પણ મહત્ત્વની જવાબદારી નીભાવી છે. હાલ તેઓ આઈપીએલમાં મેચ રેફરી તરીકે કાર્યરત છે ત્યારે એ પણ મહત્ત્વનું છે કે વેસ્ટ ઝોનમાંથી આ પદ માટે પસંદગી પામનારા પ્રકાશભાઈ ભટ્ટ એકમાત્ર ગુજરાતી છે. તેઓ આઈસીસી તેમજ બીસીસીઆઈ સાથે રાબેતા મુજબ ક્રિકેટના નવા નિયમોને અપગ્રેડ કરવાની કામગીરી પણ કરી રહ્યા છે. તેઓ 2004-05ની સાલમાં ક્રિકેટમાંથી નિવૃત્ત થયા હતા પરંતુ ક્રિકેટ પ્રત્યેનું પેશન હજુ સુધી જાળવી રાખી અહીં સુધીનો મુકામ હાંસલ કર્યો છે.