ઇનામ વિતરણ સમારોહ – ૨૦૨૧ – ૨૦૨૨
કાર્યક્રમ સંક્ષિપ્ત અહેવાલ
શ્રી હાટકેશ વિદ્યોતેજક સંસ્કાર કેન્દ્ર, અમદાવાદનો વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો ઇનામ વિતરણ સમારંભ તા. ૨૫/૦૯/૨૦૨૨, રવિવારના રોજ સવારનાં ૧૦:૦૦ કલાકે સ્વસ્તિક હોલ, અમદાવાદ ખાતે યોજાઈ ગયો.
સમારંભ ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના સન્માનિત મંત્રી શ્રી. દીપકભાઈ એમ. ભટ્ટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. તેઓએ મંચસ્થ મહાનુભાવો સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી મુરબ્બી શ્રી. પ્રહલાદ એલ. આવસત્થી, શ્રી. અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના પ્રમુખ શ્રીમતી જાનકીબેન જે. પંડ્યા, પ્રજ્ઞા પરિવાર ગાંધીનગરના પ્રમુખશ્રી મનોજભાઈ શુક્લ તથા સુવર્ણચંદ્રક ના દાતા શ્રી. ચિત્તરંજનભાઈ શાસ્ત્રીનું અને ઉપસ્થિત તમામ સભ્યો નું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સહુ મહાનુભાવઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું.
સંસ્થા ના ટ્રસ્ટી શ્રી. કશ્યપભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં દિવંગત થયેલા જ્ઞાતિજનો અંગે માહિતી આપવામાં આવી તથા તમામ સ્વર્ગસ્થોના આત્માના શ્રેયાર્થે બે મિનિટ મૌનપ્રાર્થના કરવામાં આવી.
કાર્ય્ક્રમ ના સંચાલક શ્રી. આનંદભાઈ ભટ્ટ એ સંસ્થાના કાર્યક્રમ માટે પ્રાપ્ત થાયેલ શુભેચ્છા સંદેશાઓ નો ઉલ્લેખ કર્યો અને પાઠવનાર સૌનો આભાર માન્યો.
સંસ્થાના ટ્રસ્ટી શ્રી. કાર્તિકેયભાઈ એસ. શુક્લ એ સંસ્થા દ્વારા યોજાતા કાર્યકમો તથા ભવિષ્યના આયોજનો વિષે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમના આયોજનમાં સંસ્થાએ પ્રથમવાર ડિજિટલ પ્લેટફોર્મ નો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે, અને જ્ઞાતિજનો એ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે એ માટે તેઓ એ સૌનો આભાર માન્યો હતો. આ પ્રકાર ની વ્યવસ્થા ઉભી કરવા માટે શ્રી. કંદર્પભાઇ એમ. ભટ્ટ ના યોગદાનને તેઓએ બિરદાવ્યું હતું તથા આ માટે સંસ્થા દ્વારા શ્રી. કંદર્પભાઈ નું પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના ટ્રસ્ટી શ્રી. અનિલભાઈ ગ. મહેતા એ એમના વક્તવ્ય દરમ્યાન જ્ઞાતિજનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલ વિશિષ્ટ સિદ્ધિઓ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આવા જ્ઞાતિજનો નું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સતિષભાઈ વ્યાસ, ડો. વિદ્યુતભાઈ જોષી, પ્રો. કિશોરભાઈ એસ. પંડ્યા, શ્રી. મનોજભાઈ શુક્લ, શ્રી. દર્શનભાઈ ગ. મહેતા તથા શ્રી. વૈભવ તરલેશભાઈ પાઠકનો સમાવેશ થાય છે. તદુપરાંત તેઓ એ સંસ્થાને પ્રસંગોપાત તથા તબીબ સહાય અર્થે ઉદારહાથે અનુદાન આપતા જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના સંચાલન દરમિયાન કાર્ય્ક્રમ ના સંચાલક શ્રી. આનંદભાઈ કે. ભટ્ટ દ્વારા જાણવામાં આવેલ કે સંસ્થાની પ્રવૃત્તિઓ ના વધતા જતા વ્યાપને તથા વર્તમાન ટ્રસ્ટીઓની વધતી જતી ઉંમરને ધ્યાનમાં લઈને ટ્રસ્ટી મંડળ દ્વારા સર્વાનુમતે સંસ્થાના બે સક્રિય કાર્યક્રર શ્રી. કંદર્પભાઇ એમ. ભટ્ટ તથા શ્રી. હિતાર્થભાઈ જોષી ને ટ્રસ્ટીમંડળમાં સમાવવાનો નિર્યણ લીધેલો છે . આ નિર્યણ ને ઉપસ્થિત સભાસદો એ સહર્ષ વધાવી લીધો હતો તથા બહાલી આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સંસ્થામાં છેલ્લા ઘણાં વર્ષોથી સેવા આપી રહેલા સંસ્થાના સન્માનિત મંત્રી શ્રી. દીપકભાઈ ભટ્ટ ને નાદુરસ્ત તબિયતને કારણે આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે એવી સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કરવામાં આવે છે અને તેઓની જગ્યાએ સન્માનિત મંત્રી તરીકે ટ્રસ્ટી શ્રી. માનદ્ કૌશિકભાઈ વ્યાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત મંત્રીશ્રી કૌશિકભાઈ વ્યાસનું શ્રી. દીપકભાઈ ભટ્ટ દ્વારા પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
શ્રી હાટકેશ વિદ્યોતેજક સંસ્કાર કેન્દ્રના પ્રમુખશ્રી મનહરભાઈ શુક્લ દ્વારા કરવામાં આવેલ ઉદ્દબોધન માં જણાવેલ કે ટ્રસ્ટીમંડળમાં યુવાન ટ્રસ્ટીઓના સમાવેશથી પ્રવૃત્તિઓને વેગ મળશે, તેમજ ડિજિટલ માધ્યમનો ઉપયોગ સરળ બનશે. તેઓએ જણાવેલ કે સંસ્થાની વેબસાઈટ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ કાર્યરત થશે. નૂતનવર્ષના સ્નેહમિલનનું આયોજન તા. ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. જેમાં સહભાગી થવા તેઓએ ઉપસ્થિત સૌને આમંત્રણ આપ્યું હતું.
ત્યારબાદ ઇનામ વિતરણ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૌ પ્રથમ શ્રી. મહેન્દ્રભાઈ મુકુન્દરાય ભટ્ટ પરિવાર તરફથી જુનિયર કે. જી. તથા સિનિયર કે. જી. ના બાળકોને ઇનામો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, ટેક્નિકલ શિક્ષણ તથા વ્યવસાયીક અભ્યાસના ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા હતા. ઇનામ વિતરણની સમગ્ર કામગીરીનું સુચારૂ સંચાલન શ્રી. કૌશિકભાઈ વ્યાસ, શ્રી. અનિલભાઈ મહેતા તથા શ્રી. દીપકભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવવા બદલ શ્રી. ચિતરંજન શાસ્ત્રી પરિવાર તરફથી કુમારી નંદિની પાર્થ ભટ્ટને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આભારવિધિ ને અંતે રાષ્ટ્રગીત ગવાયા પછી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વરુચિ ભોજન લઇ સહુ છુટા પડ્યા હતા.
- સંપર્ક માહીતી